પતંગિયાનો માળો
આંખોમાં પતંગિયાએ બાંધ્યો રે માળો,
રંગ રંગ થઈ ગયો મારો કાળો ઉનાળો.
ભીંતે ચીતર્યાં ફૂલ, ત્યાં તો સાચાં થઈને મ્હોર્યાં,
કાળાં ચશ્માં ફેંકી દીધાં, નયન થયાં સૌ કોરાં;
પાંપણ પાંખો થઈને ઊડે, કોણ હવે એને વાળો?…
આંખોમાં પતંગિયાએ…
જ્યાં જોઉં ત્યાં રંગ રેલાય, ધૂળ ય લાગે ગુલાલ,
ઘરડા બાપુ લાગે મુજને નાનો કાનુડો બાલ;
માથે ઘરનો ભાર, છતાં ખભે રંગીન દુશાળો…
આંખોમાં પતંગિયાએ…
પરાગ કહે: આ પાંખો કોમળ, મુઠ્ઠી ના વાળજો કોઈ,
પકડ્યું એણે રંગ ગુમાવ્યો, એવું જોયું મેં જોઈ;
આંખ ઉઘાડી રાખો, એ જ પતંગિયાનો માળો…
આંખોમાં પતંગિયાએ…
– પરાગ રતનપરા