પ્રપોઝલ
એણે ગુલાબ ખરીદ્યું,
ચૉકલેટ ખરીદી,
અરીસા સામે
સો વાર બોલવાની તાલીમ લીધી:
‘તું મને ગમે છે.’
કૉલેજના દરવાજે
એ સામે આવી,
ને એના મોંમાંથી નીકળ્યું:
‘આજે... ગણિતનો પિરિયડ છે?’
એ હસી પડી,
‘હા, અને તારા હાથમાં ગુલાબ પણ છે.’
ગણિતનો દાખલો
આજ સુધી ઉકલ્યો નથી,
પણ એ દિવસે
જીવનનો દાખલો ઉકલી ગયો.
– પરાગ રતનપરા