પોષનો તડકો
પોષની ઠંડી સવારે જેમ કૂણો તડકો આવે,
એમ તું આવ્યો ઉંબરે, ને આખું ઘર હૂંફાવે.
ગોદડીમાં હું ટૂંટિયું વાળી રાત ગણું’તી તારા,
તારો પગરવ સાંભળી ઊઠ્યા હૈયે લાખ સિતારા;
ચૂલે મૂકેલી ચા પણ જાણે મીઠું ગીત ગાવે…
પોષની ઠંડી સવારે…
તડકો તારો આંગણ બેઠો, તુલસી હસતી લાગે,
ઓઢણીને ખૂણે બાંધેલી વાતો સઘળી જાગે;
ઘરની ભીંતો હૂંફ ભરીને મારા ગાલ પંપાળે…
પોષની ઠંડી સવારે…
પરાગ કહે: એ તડકો સાંજે ઢળશે, એ પણ જાણું,
પણ જે પળ તું પાસે બેઠો, એ જ મારું ઠેકાણું;
આખું વરસ ટાઢું હો, બસ એક જ પોષ તું લાવે…
પોષની ઠંડી સવારે…
– પરાગ રતનપરા