શોધું તને
હું પરોઢે ઝાકળે, આ ભોરમાં શોધું તને,
રાતભર ઘોંઘાટ, ભીડે, શોરમાં શોધું તને.
વાદળો ઘેરાય ત્યારે, ગાજતાં આકાશમાં
ટહુકતા એ આંગણાના મોરમાં શોધું તને.
આભમાં કાપ્યા પતંગો સૌ, છતાં એ હાથમાં
આંગળીએ કાપ પાડે, દોરમાં શોધું તને.
બા ગયાં, પણ સાચવી સાડી હજી પેટી મહીં,
આંસુથી ભીની થયેલી કોરમાં શોધું તને.
આ પરાગે બાગ છોડી વાયરા સાથે ફરી,
આ પવનના વેગમાં, આ જોરમાં શોધું તને.
– પરાગ રતનપરા
#ગઝલ #શોધ #વિરહ #મા #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Searching #Absence #Longing #Remembrance #ParagRatanpara