પોપટવાળો જ્યોતિષી
ફૂટપાથ પર
એક જ્યોતિષી બેઠો છે,
સામે પાંજરું,
પાંજરામાં લીલો પોપટ.
પાંચ રૂપિયા આપો,
તો પોપટ બહાર આવે,
પત્તાંની હારમાંથી
એક પત્તું ચાંચમાં ઉપાડે,
ને તમારું નસીબ વંચાય:
‘ધનલાભ થશે.’
‘વિદેશયોગ છે.’
‘શત્રુ પરાસ્ત થશે.’
પછી પોપટને
બે દાણા મળે છે,
ને એ પાછો
પાંજરામાં જાય છે.
આખો દિવસ
એ બીજાનાં ભાગ્ય ઉઘાડે છે.
એક પત્તું
કદી નથી ઉપાડતો —
જેમાં લખ્યું હોય:
‘આકાશયોગ છે.’
– પરાગ રતનપરા