ઝૂંપડીનો દીવડો
ઝૂંપડીએ ઝગ્યો એક નાનો દીવડો રે,
બંગલાની રોશનીથી ઊંચો એનો જીવડો રે.
તેલ ઉછીનું લાવી માએ વાટ વણી છે હાથે,
ફટાકડા તો નથી, પણ બાળક હસે છે સાથે;
માટીનું કોડિયું, ને તો ય હરખે ઊભરે હીંચડો રે…
ઝૂંપડીએ ઝગ્યો…
સામે બંગલે લાખ લાઇટો, ઝગમગ ઝગમગ થાય,
બંગલામાં બેઠો શેઠિયો ફોનમાં ખોવાય;
ઝૂંપડીમાં તો આખું ઘર બેઠું ફરતે ગોળ કૂંડાળો રે…
ઝૂંપડીએ ઝગ્યો…
પરાગ કહે: લક્ષ્મી પૂછે: ‘ક્યાં જાઉં હું આજે?’
દીવો બોલ્યો: ‘જ્યાં ઘર ભેગું બેસીને ગાજે’;
અજવાળું તો મનનું સાચું, બાકી સૌ દેખાડો રે…
ઝૂંપડીએ ઝગ્યો એક નાનો દીવડો રે.
– પરાગ રતનપરા