← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પોપટવાળો જ્યોતિષી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂટપાથ પર
એક જ્યોતિષી બેઠો છે,
સામે પાંજરું,
પાંજરામાં લીલો પોપટ.

પાંચ રૂપિયા આપો,
તો પોપટ બહાર આવે,
પત્તાંની હારમાંથી
એક પત્તું ચાંચમાં ઉપાડે,
ને તમારું નસીબ વંચાય:
‘ધનલાભ થશે.’
‘વિદેશયોગ છે.’
‘શત્રુ પરાસ્ત થશે.’

પછી પોપટને
બે દાણા મળે છે,
ને એ પાછો
પાંજરામાં જાય છે.

આખો દિવસ
એ બીજાનાં ભાગ્ય ઉઘાડે છે.

એક પત્તું
કદી નથી ઉપાડતો —
જેમાં લખ્યું હોય:
‘આકાશયોગ છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરામ નામની નાવઆગલો લેખ →ઝૂંપડીનો દીવડો