પૂતળું
ચોકમાં
એમનું પૂતળું મૂક્યું ત્યારથી
એ નેતા
સૌથી વધારે શાંત થઈ ગયા છે.
ન ભાષણ,
ન વાયદા,
ન પક્ષપલટો.
વર્ષમાં એક વાર
જયંતીએ
હાર ચડે છે,
ફોટા પડે છે,
ને પછી
આખું વર્ષ
કબૂતરો
એમના માથે બેસીને
જે કરવાનું હોય તે કરે છે.
ગામના લોકો કહે છે:
‘જીવતા હતા ત્યારે
પ્રજા એમનાથી ત્રાસી હતી,
હવે
કબૂતરોથી એ ત્રાસ્યા છે.’
ન્યાય
મોડો પડે,
પણ પડે છે ખરો.
– પરાગ રતનપરા