પૂર
નદી
ગામમાં આવી.
પહેલાં એ
પાદરે આવતી,
પનિહારીઓની ગાગરમાં
ગીત થઈને ઘેર જતી.
આ વખતે
એ ઉંબરા ઓળંગીને
ઓરડામાં આવી,
રસોડામાં ગઈ,
ઘોડિયામાં બેઠી,
દેવના ગોખલામાંથી
દીવો ઉપાડી ગઈ.
ત્રણ દિવસ પછી
પાણી ઊતર્યાં.
ભીંત પર
કાદવની એક લીટી રહી ગઈ —
નદીની સહી.
ગામની એક છોકરી
કાદવમાંથી
પોતાની ઢીંગલી શોધી લાવી છે,
અને એને
તડકે સૂકવી રહી છે,
જાણે
આખું ગામ
ફરી સૂકવવાની
શરૂઆત
એણે જ કરી હોય.
– પરાગ રતનપરા