પંદરમી ઑગસ્ટ
સવારે સાત વાગ્યે
ફોનમાં એકસો સત્તર તિરંગા ફરક્યા.
સોસાયટીના ગેટ પર
લાઉડસ્પીકરે
‘એ મેરે વતન…’ વગાડ્યું,
ને સેક્રેટરીએ
માઇક પકડીને
પાર્કિંગના નિયમો સમજાવ્યા.
બપોરે
સેલમાં ત્રીસ ટકા છૂટ હતી —
આઝાદીના માનમાં.
સાંજે
સિગ્નલ પર
એક દસ વર્ષનો છોકરો
પ્લાસ્ટિકના ઝંડા વેચતો હતો,
દસ રૂપિયે એક.
મેં બે લીધા.
એણે સો રૂપિયાની નોટ જોઈ
ને છૂટા પાછા આપતાં
પહેલી વાર
મારી સામે જોયું.
એ નજરમાં
એક પ્રશ્ન ફરકતો હતો,
જે કોઈ ફોનમાં
ફરકી શક્યો નહીં:
‘સાહેબ, મારી આઝાદી
કયા સેલમાં મળે?’
– પરાગ રતનપરા