ન્યૂ જર્સીમાં ડૅફોડિલ
ન્યૂ જર્સીના બગીચામાં
વાસંતી સવારે
પીળાં ડૅફોડિલ લહેરાય છે.
દીકરાની વહુએ કહ્યું:
‘મમ્મી, જુઓ તો, કેટલાં સુંદર!’
મેં જોયાં.
સુંદર તો છે.
પણ એમાં
ગલગોટાની જેમ
તોરણ થવાની તાલાવેલી નથી,
મોગરાની જેમ
અંબોડે ચડવાની જીદ નથી.
એ બસ ઊગે છે,
ખીલે છે,
ને કોઈને કહ્યા વિના
ચાલ્યાં જાય છે —
આ દેશના દીકરાઓની જેમ.
હું રાહ જોઉં છું
રવિવારે
વીડિયો-કૉલ પર
પોતરો આવીને
એક વાર ‘બા’ કહે.
ડૅફોડિલ પણ
થોડાં
ઝૂકીને સાંભળે છે.
– પરાગ રતનપરા