કોણ છે તું?
વહેલી સવારે
અરીસામાં એક માણસ ઊભો છે.
વાળમાં ચૂનો,
આંખ નીચે બે નાની થેલીઓ,
ને હોઠ પર એવું સ્મિત
જે ક્યાંક
લોન-ઑફિસમાં શીખ્યું હોય.
હું પૂછું છું: ‘કોણ છે તું?’
એ કહે છે:
‘તેં જેટલા રસ્તા પાછળ છોડ્યા,
એ બધા
હવે બંધ થઈ ગયા છે.
જે છોકરો
નદીકાંઠે કવિતા લખતો,
ગિટાર શીખવા માગતો,
પહાડ ચડવા માગતો —
એ મને
તારી ચાવી આપીને
ગયો.’
હું ચાવી શોધું છું.
ખિસ્સામાં
માત્ર
ઑફિસના ડ્રૉઅરની
એક ચાવી છે.
– પરાગ રતનપરા