પ્લાસ્ટિકનાં ફૂલ
ડ્રૉઇંગ રૂમમાં
પ્લાસ્ટિકનાં ગુલાબ છે —
લાલચટક,
ઝાકળનાં ટીપાં પણ ચોંટાડેલાં.
એ કરમાતાં નથી,
ખરતાં નથી,
પાણી માગતાં નથી,
કાંટા વાગતા નથી.
મહેમાનો કહે છે:
‘વાહ! જાણે સાચાં!’
પણ
એક પતંગિયું
બારીમાંથી આવ્યું,
ત્રણ વાર ચક્કર માર્યું,
ને ચૂપચાપ
પાછું વળી ગયું.
ત્યારથી
મને મારા સ્મિત પર પણ
શંકા થાય છે —
એ કરમાતું નથી,
ખરતું નથી,
ને લોકો કહે છે:
‘વાહ! જાણે સાચું!’
– પરાગ રતનપરા