ભૂલી ગયો
ઝાંઝવાની લાલચે હું વાટને ભૂલી ગયો,
દોડતાં દરિયા ભણી, એ ઘાટને ભૂલી ગયો.
ફ્લેટમાં મોંઘા પલંગો, ગાદલાં છે રેશમી,
ને પિતાની ઓસરીની ખાટને ભૂલી ગયો.
ફોન પર આવે બધું, ને ઘેર બેઠાં બારણે,
ગામના મેળા અને એ હાટને ભૂલી ગયો.
સાંજ પડતાં ઘેર આવું, તોય મન ક્યાં હોય છે?
માત જોતી જે ઝરૂખે, બાટને ભૂલી ગયો.
આ પરાગે દાદ, તાળી, નામ ને દામો ઘણા,
એ નિશાળે બેસતો જે પાટને ભૂલી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #વતન #ગામ #સ્થળાંતર #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LostRoots #VillageMemories #Migration #Nostalgia #ParagRatanpara