પિયરનું જૂનું ઘર
વીસ વરસે પિયર ગઈ.
ઘર એ જ હતું,
પણ ઉંબરો નીચો થઈ ગયો હતો —
કે પછી હું ઊંચી?
ભીંત પર
પેન્સિલથી પાડેલી
મારી ઊંચાઈની રેખાઓ
હજી ત્યાં જ હતી.
છેલ્લી રેખા પાસે
બાપુએ લખ્યું હતું — ‘૧૬’.
એ પછી કોઈએ
મારી ઊંચાઈ માપી નહીં.
સાસરે
ઊંચાઈ નહીં,
સહનશક્તિ મપાય છે.
ભાભીએ ચા આપી,
ભત્રીજાએ ‘ફોઈ’ કહ્યું,
બધું સરસ હતું.
જતાં જતાં
મેં એ રેખા પર
હળવેથી આંગળી ફેરવી —
જાણે
સોળ વરસની છોકરીના
માથે હાથ ફેરવતી હોઉં.
– પરાગ રતનપરા