← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પેપરવેઇટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા ટેબલ પર
કાચનું એક પેપરવેઇટ છે.

અંદર
એક ભૂરું ફૂલ
વર્ષોથી
ખીલેલું જ છે.

ના કરમાય,
ના ખરે,
ના સુગંધ આપે.

બારીમાંથી પવન આવે,
કાગળો ફફડે,
પણ પેપરવેઇટ એમને
ઊડવા ન દે.

આજે અચાનક સમજાયું —
ઑફિસના આ ટેબલ પર
ત્રીસ વર્ષથી
હું પણ
એક એવું જ ફૂલ છું:
ખીલેલું,
પણ કાચમાં બંધ;
ને મારી નીચે દબાયેલા છે
મારા જ
ઊડવા માગતા કાગળો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાંજનું ગીતઆગલો લેખ →રાહ જોઉં છું