પેપરવેઇટ
મારા ટેબલ પર
કાચનું એક પેપરવેઇટ છે.
અંદર
એક ભૂરું ફૂલ
વર્ષોથી
ખીલેલું જ છે.
ના કરમાય,
ના ખરે,
ના સુગંધ આપે.
બારીમાંથી પવન આવે,
કાગળો ફફડે,
પણ પેપરવેઇટ એમને
ઊડવા ન દે.
આજે અચાનક સમજાયું —
ઑફિસના આ ટેબલ પર
ત્રીસ વર્ષથી
હું પણ
એક એવું જ ફૂલ છું:
ખીલેલું,
પણ કાચમાં બંધ;
ને મારી નીચે દબાયેલા છે
મારા જ
ઊડવા માગતા કાગળો.
– પરાગ રતનપરા