પીધા વગર
આંખ તારી જોઈને હું જાગતો પીધા વગર,
સૌ કહે છે મસ્ત, હું તો લાગતો પીધા વગર.
કોઈ પીતું ભૂલવાને, કોઈ પીતું યાદમાં,
હું જ મારાથી સતત બસ ભાગતો પીધા વગર.
હાથ ફેલાવ્યા નથી મેં ના કદી દરગાહમાં,
તોય મળતું, મૌનમાં જે માગતો પીધા વગર.
એક દરિયો છે છુપાયો આંખમાં સાકી તણી,
હું ય એને ડૂબકીથી તાગતો પીધા વગર.
ના ભમરની જેમ ચૂસ્યો કોઈ દી રસ, ઓ ‘પરાગ’,
તોય ભીતર સાજ મીઠો વાગતો પીધા વગર.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #મયકદો #સાકી #મસ્તી #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #Tavern #Saqi #DivineIntoxication #ParagRatanpara