પથ્થર તોડતી સ્ત્રી
રસ્તાની ધારે
ભરબપોરે
એ પથ્થર તોડે છે.
એક હાથમાં ઘણ,
બીજા હાથે
ઝાડની ડાળે બાંધેલું ઘોડિયું
ઝુલાવતી જાય છે.
ઘણ ઊંચકાય છે —
ધડ્…
પથ્થરમાં તિરાડ.
ઘોડિયું ઝૂલે છે —
હાલાં…
બાળકની આંખમાં ઊંઘ.
મોટરો પસાર થાય છે,
ધૂળ ઊડે છે,
કોઈ કાચ નીચો કરીને
ફોટો પાડી લે છે:
‘કેટલું સરસ દૃશ્ય!’
સાંજે
એ ત્રીસ રૂપિયા લઈને
ઘરે જાય છે.
પણ મને ખબર છે,
આ દેશના
બધા ચકચકતા રસ્તા નીચે
એના ઘણનો પડઘો
અને
એના હાલરડાની
અડધી પંક્તિ
દટાયેલી પડી છે.
– પરાગ રતનપરા