ગઝલ થઈ
હતી વાત મારી, તમારી ગઝલ થઈ,
ઘડી પણ ન ઊંઘ્યો, પથારી ગઝલ થઈ.
ગલીમાં રમી, ને વળી ગઈ વિદેશે,
હતી ઢીંગલી, એ બિચારી ગઝલ થઈ.
ગળે જે મળે ને છુપાવે છરી, એ
સગાની જ મીઠી કટારી ગઝલ થઈ.
ન આવ્યા તમે, સાંજ ઢળતી રહી, ને
પ્રતીક્ષા ભરેલી અટારી ગઝલ થઈ.
પરાગે લખી ના, પવન લઈ ગયો જે,
હવાની ય મ્હેકી સવારી ગઝલ થઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગઝલનોજન્મ #પ્રતીક્ષા #દીકરી #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #BirthOfAGhazal #Waiting #Daughter #Longing #ParagRatanpara