← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પથ્થર નીચે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાનપણમાં
મેં એક પથ્થર ઊંચક્યો હતો —
નીચે
કીડીઓનું આખું નગર:
રસ્તા, કોઠાર, ઈંડાં,
ને દોડધામ.

મેં ઝટ
પથ્થર પાછો મૂકી દીધો.

આજે
શહેર વધારવા
બુલડોઝર પથ્થરો ઉથલાવે છે —
ઝૂંપડાં, ખાટલા, ચૂલા,
ને દોડધામ.

કોઈ
પથ્થર પાછો મૂકતું નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભાડે છેઆગલો લેખ →લણણીનું ગીત