← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પસ્તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષો સુધી
જે નામ લખીને
મેં નોટબુકના છેલ્લા પાને
ભૂંસી નાખ્યું હતું,
એ ભૂંસાયું નહોતું —
રબરના ઘસરકામાં
વધારે ઊપસી આવ્યું હતું.

આજે એ નોટબુક
પસ્તીમાં ગઈ.
કિલોના ભાવે.

ભાવ કરનારે
પાનાં ગણ્યાં નહીં,
વજન કર્યું.

મને પહેલી વાર સમજાયું
કે એક નામનું વજન
આખી નોટબુક કરતાં
કેટલું વધારે હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝાકળ જેવું સુખઆગલો લેખ →પ્રીતનો પ્યાલો