પરપોટા
ઓસરીમાં
પૌત્ર
સાબુના પરપોટા ઉડાડે છે.
એક,
બીજો,
પાંચ, દસ —
તડકામાં સાત રંગ ઝળકે,
ને ફટ્ — ફૂટી જાય.
દરેક પરપોટો ફૂટે
ને એ ખડખડાટ હસે.
હું
હીંચકે બેઠો બેઠો
વિચારું છું:
મારાં બધાં વર્ષો
આ જ તો હતાં —
રંગીન,
ગોળ,
પાતળાં.
ફરક એટલો જ —
એ ફૂટતા ત્યારે
મને
હસતાં નહોતું આવડ્યું.
– પરાગ રતનપરા