← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પાની સાઇકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પાની સાઇકલ
હજી ભીંતે ટેકવેલી પડી છે —
કાટ ખાતી,
હવા વગરનાં પૈડાં સાથે.

એ સાઇકલ પર
આગળના દાંડે મને બેસાડી
એ નિશાળે મૂકવા આવતા;
પાછળના કૅરિયર પર
શાકનો થેલો,
ને પેડલ પર
આખા ઘરનું વજન.

આજે મારી પાસે મોટર છે —
ઍરબૅગ, એસી, મ્યુઝિક —
પણ કોઈ ઢાળ પર
એ સાઇકલની જેમ
હાંફતી નથી.

કદાચ એટલે જ
પપ્પા કદી
થાક્યા હોય એવું
મેં જોયું નથી —
એમનો થાક
પેડલ ગળી જતાં હતાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાળો નથીઆગલો લેખ →જરાસંધ