પપ્પાની પેન
પપ્પાની
જૂની ફાઉન્ટન પેન
ખાનામાં પડી છે.
શાહી સુકાઈ ગઈ છે,
નિબ થોડી વાંકી છે,
ઢાંકણું ઢીલું.
આ જ પેનથી
એમણે
મારા પ્રવેશ-ફૉર્મ પર સહી કરી હતી,
બહેનના લગ્નની કંકોત્રી લખી હતી,
ને બાને
એક જ વાર
પત્ર લખ્યો હતો —
જે બાએ
આખી જિંદગી
સાડલાની ગડીમાં સંતાડી રાખ્યો.
મેં આજે
પેનમાં નવી શાહી ભરી,
કાગળ પર ઘસી.
પહેલો અક્ષર
આપોઆપ
એમના જેવો જ વળ્યો.
– પરાગ રતનપરા