← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પા હજી સ્કૂટર ચલાવે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું કહું છું:
‘પપ્પા, હવે રહેવા દો,
ટ્રાફિક બહુ છે,
તમારી આંખો…’

પપ્પા હસે છે,
હેલ્મેટ પહેરે છે,
ને કિક મારે છે —
એક વાર, બે વાર, ત્રણ વાર.

સ્કૂટર ચાલુ થાય છે,
ને પપ્પા
જાણે
ચાલીસ વર્ષ પાછળ
ચાલ્યા જાય છે —
જ્યારે આ જ સ્કૂટર પર
આગળ હું ઊભો રહેતો,
પાછળ બા બેસતી,
ને આખું ઘર
એક જ સીટ પર
સમાઈ જતું.

હું એમને રોકી શકતો નથી.
રોકીશ પણ નહીં.

બસ,
બારીએ ઊભો રહીને
ગલીના વળાંક સુધી જોયા કરું છું,
ને પછી
એ પાછા ન આવે ત્યાં સુધી
મારા શ્વાસ
ગણ્યા કરું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહતીઆગલો લેખ →જમાનાની કળા