પપ્પા
પપ્પા મારા ઘોડો બને, ને હું બેસું અસવાર,
આખું ઘર મેદાન બને, ને ખુરશી બને દરબાર.
સંતાકૂકડી રમતાં પપ્પા પડદા પાછળ સંતાય,
પગ દેખાય, તોય કહું: ‘ક્યાં ગયા?’ ને ખડખડ હસાય;
હારી જાય રોજ પપ્પા, ને જીતું હું દર વાર…
પપ્પા મારા…
નિશાળે મૂકવા આવે ત્યારે દરવાજે ઊભા રહે,
‘ટાટા’ કહું તો હાથ હલાવે, આંખે ઝીણું ઝરણું વહે;
એ જ દરવાજે ઊભા’તા, જ્યારે વિદાયે ગઈ હું પાર…
પપ્પા મારા…
પરાગ કહે: દીકરીના પપ્પા ઝાડ સરીખા હોય,
પોતે તડકે ઊભા રહે, ને છાંયો દીકરીને જ હોય;
દીકરીની ખુશીમાં ગણે એ પોતાના તહેવાર…
પપ્પા મારા…
– પરાગ રતનપરા