આયનો
આયનાની ભીતર ઊભો એક માણસ, સાવ અજાણ,
રોજ પૂછું: ‘તું કોણ?’, ને એ પૂછે: ‘તારી ઓળખાણ?’
સવારે ઊઠું ત્યારે જોઉં, એક થાકેલો ચહેરો,
ઑફિસ જાતાં પહેલાં એના પર ચડાવું સ્મિતનો પહેરો;
સાંજે ઊતરે રંગ, ને બચે એ જ થાકેલો પ્રાણ…
આયનાની ભીતર…
બાળપણમાં આયનામાં હું જીભ કાઢી હસતો,
આજે એ જ આયનામાં હું ગંભીર થઈને વસતો;
ક્યાં ગયો એ છોકરો? ક્યાં ગયું એ ભોળું ભાણ?
આયનાની ભીતર…
પરાગ કહે: આયનો તોડ્યે ચહેરો નહીં બદલાય,
ભીતર જરા લૂછી જો, તો સાચો જણ દેખાય;
જાતને જે ઓળખે, એની એ જ ખરી ઓળખાણ…
આયનાની ભીતર…
– પરાગ રતનપરા