પણ ઝાંઝવું
ગામ છોડ્યું જે ભરોસે, એ નગર પણ ઝાંઝવું,
છેવટે પાછો ફરું તો ગામ-ઘર પણ ઝાંઝવું.
‘આવશું’, એવું લખીને એ ગયાં’તાં ફાગણે,
રોજ ઊંબર પર પ્રતીક્ષા, એ ખબર પણ ઝાંઝવું.
આયનો સાચું કહે છે, એમ માની જીવિયો,
આયને ઊભી હતી જે, એ નજર પણ ઝાંઝવું.
મંઝિલોની આશમાં બસ ચાલતો ચાલ્યો સદા,
પગ ઘસાયા, ને પછી જાણ્યું, સફર પણ ઝાંઝવું.
ફૂલને પૂછ્યું પરાગે: ‘સત્ય શું છે આ જગે?’
‘મ્હેક સાચી, રંગ છળ છે, ને ભ્રમર પણ ઝાંઝવું.’
– પરાગ રતનપરા
#ગઝલ #ઝાંઝવું #ભ્રમ #પ્રતીક્ષા #સફર #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #Illusion #Waiting #LifeJourney #ParagRatanpara