પહેલી ઉડાન
માળાની કિનારે
ચકલીનું બચ્ચું
ત્રીજે દિવસે પણ
અટકીને ઊભું છે.
નીચે
ધરતી બોલાવે છે:
‘આવ, હું ઝીલી લઈશ.’
ઉપર
આકાશ કહે છે:
‘આવ, હું ઊંચકી લઈશ.’
બચ્ચું
બંનેની વાત સાંભળે છે
ને ધ્રૂજે છે.
ચોથે દિવસે
મા
કશું બોલી નહીં —
માત્ર
માળામાંથી ઊડી ગઈ
ને સામેની ડાળે જઈ બેઠી.
પછી
જે થયું
એને લોકો ઉડાન કહે છે.
મને લાગે છે
એ કોઈ પાંખનો ચમત્કાર નહોતો;
એ તો
ખાલી માળાથી
ભરેલી ડાળ સુધીનું
એક નાનકડું
વિશ્વાસનું પગલું હતું.
– પરાગ રતનપરા