← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડામાં
મોગરાની સેર,
ધીમો દીવો,
ને બે અજાણ્યા શ્વાસ.

એ ઘૂંઘટમાં
પોતાના પિયરનું આંગણું
સંકેલીને બેઠી છે,
હું મારી આખી જિંદગીના
અધૂરા શબ્દો.

કોઈ કશું બોલતું નથી.

ત્યાં જ
બારીમાંથી
ચાંદની આવીને
બંનેના પગ પાસે
એક જ ચાદર
પાથરી જાય છે.

સંસાર
આમ જ શરૂ થતો હશે —
કોઈ ત્રીજાના
અજવાળાથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખુલ્લાં કમાડઆગલો લેખ →પંખીતીર્થ