← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુલ્લાં કમાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાએ કદી
ઘરનું કમાડ
બંધ નથી કર્યું.

કહેતી:
‘કોઈ ભૂખ્યું આવે તો
ખખડાવવાની શરમ ન નડે.’

આજે શહેરમાં
મારા ફ્લેટને
ત્રણ તાળાં છે,
એક ડિજિટલ લૉક,
એક સીસીટીવી,
ને બારણે લખ્યું છે —
‘સેલ્સમેન નૉટ અલાઉડ.’

ને છતાં
રોજ રાતે
કોઈ મારા ઘરમાં
ઘૂસી જ આવે છે —

એકલતા
તાળાં નથી ઓળખતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખુદની તરફઆગલો લેખ →પહેલી રાત