← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પગફેરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી સાસરે ગઈ
એને આજે
એક મહિનો થયો.

એના ઓરડામાં
હજી
અરીસા પર
એક ચાંદલો ચોંટેલો છે,
ઓશીકા નીચે
એક વાળની પિન,
ને બારીના સળિયે
એની ઓઢણીનો
એક દોરો
ભરાઈ રહ્યો છે.

એની બા કહે છે:
‘ઓરડો સાફ કરી નાખું?’

હું ના પાડું છું.

લોકો કહે છે —
દીકરી પરણ્યા પછી
એક વાર પગફેરો કરવા આવે.

એમને શી ખબર?
મારી દીકરી તો
રોજ સાંજે
આ ચાંદલામાંથી,
આ પિનમાંથી,
આ દોરામાંથી
પગફેરો કરી જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝાકળઆગલો લેખ →દીવડી