પડીકું
એરપોર્ટ પર
બાએ થેલીમાં મૂક્યાં:
ખાખરા,
છૂંદો,
ને એક ચપટી
આંગણાની માટી —
કાગળમાં વાળીને.
સિક્યોરિટીવાળાએ પૂછ્યું:
‘આ શું છે?’
હું શું કહું?
‘મારો દેશ.’
એણે હસીને
પડીકું પાછું આપ્યું.
વીસ વર્ષ થયાં.
ખાખરા ક્યારના પૂરા થયા,
છૂંદો પણ.
પેલું પડીકું
હજી
ખોલ્યું નથી —
ડર લાગે છે
કે ખોલીશ
તો
દેશ
ઊડી જશે.
– પરાગ રતનપરા