પડખે રહેજે
દોસ્ત,
હૉસ્પિટલના આ સફેદ ઓરડામાં
બધું જ સફેદ છે —
ચાદર, દીવાલો, ડૉક્ટરના કોટ,
ને મારા વાળ પણ હવે.
તું આવે ત્યારે
કંઈ ખાસ ન લાવતો.
ફળ નહીં, ફૂલ નહીં,
‘જલદી સાજો થઈ જા’ — એ પણ નહીં.
બસ,
પેલી જૂની વાત કરજે —
કૉલેજની કૅન્ટીન,
ઉધારની ચા,
ને તેં મારી સાઇકલ પર
પહેલી વાર
એક છોકરીને લિફ્ટ આપેલી.
હું હસીશ,
તો નર્સ ખિજાશે.
ખિજાવા દેજે.
દવાથી શરીર સાજું થાય,
પણ જીવ —
જીવ તો
જૂના દોસ્તના
ખડખડાટથી જ
ઊભો થાય છે.
– પરાગ રતનપરા