પડઘો
મારા બાપુ
મને બૂમ પાડીને બોલાવતા —
‘અલ્યા, ક્યાં મરી ગયો?’
ને હું દોડતો, ધ્રૂજતો.
મેં નક્કી કર્યું હતું,
હું મારા દીકરા સાથે
એવું કદી નહીં બોલું.
ગઈ કાલે સાંજે
દીકરો મોડો આવ્યો.
મારા ગળામાંથી અવાજ નીકળ્યો —
‘અલ્યા, ક્યાં મરી ગયો’તો?’
એ અવાજ મારો નહોતો.
ઓસરીની ભીંતે ટકરાઈને
ત્રીસ વરસ પછી
પાછો આવેલો
પડઘો હતો.
ને એ રાતે
મેં પહેલી વાર
ફોટામાંના બાપુને
માફ કરી દીધા.
– પરાગ રતનપરા