← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલીનો નળ
રોજ સવારે પાંચ વાગ્યે
એક જ કલાક માટે
ખૂલે છે.

એની ચાવી
કૉર્પોરેશનના એક માણસ પાસે છે —
સાઇકલ પર આવે, ચાવી ફેરવે,
ને ચાલી જાય.

ચાર વાગ્યાથી
ડોલ, ઘડા, ડબલાંની
લાંબી હાર લાગે છે.
એમાં ઝઘડા થાય છે,
સગપણ થાય છે,
દીકરીઓનાં માગાં નક્કી થાય છે,
ને એક વાર
એક ડોશી
હારમાં ઊભાં ઊભાં
ઢળી પણ પડેલાં.

ચાલીનાં બાળકો
ભગવાનનું ચિત્ર દોરે ત્યારે
એના હાથમાં
ચક્ર નહીં,
ચાવી દોરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચુંબનઆગલો લેખ →પડઘો