← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પચાસ વર્ષ પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરલા,
આજે એક ઘરડો માણસ
તારી પાસે આવશે —
લાકડીના ટેકે,
જાડા ચશ્માં પાછળ ઝીણી આંખે.

એ કશું નહીં કહે.
કદાચ પૂછશે:
‘અહીં બસ-સ્ટૅન્ડ ક્યાં છે?’

તું એને રસ્તો બતાવજે.
ને એ જાય ત્યારે
એની ચાલ જોજે —
ડાબો પગ જરા ખેંચતો,
જેમ કૉલેજના દાદરે
એક છોકરો
તારી પાછળ ચાલતો.

ના, એ પાછળ નહીં જુએ.
પચાસ વર્ષમાં
એણે એટલું તો શીખી લીધું છે:
કેટલીક વાર્તાઓ
પૂરી ન થાય
એમાં જ
એની શોભા છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખધરતી ફૂટીઆગલો લેખ →ભારે પડે