પાયામાં
ઊઠો, ભાઈઓ,
આ બાવન માળની ઇમારતના
પાયામાંથી ઊઠો.
તમે, જે માંચડા પરથી
પડ્યા હતા,
ને જેમનાં નામ
કોઈ પથ્થર પર નથી;
તમે, જે સિમેન્ટ સાથે
પોતાનો પરસેવો ભેળવીને
ચૂપચાપ સુકાઈ ગયા.
ઉપર
કાચની બારીઓમાં
સૂરજ ચળકે છે,
લોકો કૉફી પીતાં
શહેર જુએ છે.
એમને કહો
કે આ ઊંચાઈનો
દરેક ઇંચ
તમારા ખભા પર ઊભો છે.
ઊઠો, ને મારા મોઢે બોલો,
હું તમારી જીભ થઈશ,
તમારી ભૂલાયેલી આંગળીઓ
મારી કલમમાં ઊગશે.
ભાઈઓ,
આજે આ કવિતા
તમારી હાજરીપત્રક છે.
– પરાગ રતનપરા