દર વરસ
ચોક વચ્ચે પૂતળું, ને એ બળે છે દર વરસ,
ભીતરે બેઠો દશાનન, એ છળે છે દર વરસ.
વાંસ ને કાગળ વડે જે રાવણો ઘડતો રહે,
એ ઘરે અંધાર, ને દીવો ઢળે છે દર વરસ.
રોશનીનો શોર, તાળી, આતશો ને ભીડ સૌ,
સત્યનો જયકાર, પણ ક્યાં એ ફળે છે દર વરસ?
મંચ પર નેતા ચલાવે તીર, તાળી પાડતા,
ને બધાં કૌભાંડ એનાં પણ ટળે છે દર વરસ.
આ પરાગે પણ પ્રજાળ્યો ભીતરે બેઠો અહં,
ને છતાં એ બીજ થઈ પાછો મળે છે દર વરસ.
– પરાગ રતનપરા
#ગઝલ #દશેરા #વિજયાદશમી #ભીતરનોરાવણ #અહંકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Dussehra #VijayaDashami #InnerRavana #Ego #ParagRatanpara