પાસવર્ડ
દાદાએ સ્માર્ટફોન લીધો.
પહેલે જ દિવસે
ફોને પાસવર્ડ માગ્યો.
દાદાએ રાખ્યો: ‘રામ’.
ફોન બોલ્યો: ‘નબળો છે.’
‘રામ૧૨૩’.
‘હજી નબળો.’
‘રામ@૧૨૩#ગીતા’.
‘ઠીક છે.’
બીજે દિવસે
દાદા ભૂલી ગયા.
હવે દાદા રોજ
ફોન સામે બેસી
પ્રયત્ન કરે છે —
‘સીતારામ’, ‘જયશ્રીકૃષ્ણ’,
‘હરિ ૐ’, ‘મહાદેવ’…
ફોન ખૂલતો નથી,
પણ સાંજ પડ્યે
દાદાનું
આખું ભજન
પૂરું થઈ જાય છે.
દાદી હસીને કહે છે:
‘ભલું થજો આ ફોનનું —
વરસો પછી
તમે માળા તો ફેરવી!’
– પરાગ રતનપરા