← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામના પાદરે
વડ
કેટલાં વરસનો છે,
કોઈ જાણતું નથી.

દાદાના દાદાએ
એની નીચે
પંચાયત ભરી હતી,
બાપુએ
એની ડાળે
હીંચકો બાંધ્યો હતો,
મેં
એના થડ પર
કોઈનું નામ કોતર્યું હતું.

હવે
હાઈવે આવવાનો છે.
નકશામાં
વડ
વચ્ચે આવે છે.

સરકારી માણસો
લાલ ચોકડી મારી ગયા.

આજે સાંજે
આખું ગામ
વડ નીચે ભેગું થયું —
પંચાયત નહીં,
હીંચકો નહીં,
બસ ચૂપચાપ બેઠું.

વડે
સૌને
છેલ્લી વાર
છાંયો આપ્યો —
જાણે કોઈ વૃદ્ધ
જતાં જતાં
દીકરાઓના માથે
હાથ ફેરવતો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપાસવર્ડઆગલો લેખ →અમર છે