પાણી
પાણીને
કશું કહેવું હોય તો
ધીમે કહેજો.
પાણી
કશું સંઘરતું નથી,
છતાં
બધું યાદ રાખે છે.
કૂવામાં
દાદીની ગાગરનો રણકો,
તળાવમાં
છોકરાઓના ધુબાકા,
નદીમાં
વિસર્જિત થયેલી
મારા બાપુની રાખ —
બધું
એણે સાચવ્યું છે,
પોતાના પારદર્શક ખિસ્સામાં.
એટલે જ
તરસ્યાને પાણી આપતાં
હાથ ધ્રૂજે છે મારો —
ખબર નથી,
કયો ઘૂંટડો
કોની યાદ લઈને
ગળે ઊતરશે.
પાણી
અંધારામાં પણ
પોતાનો રસ્તો
જાતે શોધી લે છે —
કદાચ એટલે જ
આંસુ
આંખ સુધી
પહોંચી જાય છે.
– પરાગ રતનપરા