પાઘડી
બધું વેચાઈ ગયું —
ખેતર, ઘર, બળદ, ગાડું.
છેલ્લે
બાપુએ એક જ વસ્તુ ન વેચી:
ખીંટીએ ટાંગેલી
દાદાની પાઘડી.
દલાલે પૂછ્યું: ‘આની શી કિંમત?’
બાપુ બોલ્યા:
‘આની નીચે
આખું ગામ માથું નમાવતું.’
આજે શહેરના ફ્લેટમાં
એ પાઘડી
કબાટની ઉપર બેઠી છે —
ઊંચે,
જ્યાંથી
હજી ગામ દેખાતું હશે.
– પરાગ રતનપરા