પાછો ફર્યો
પચીસ વરસ પછી
હું ગામ પાછો ફર્યો.
પાદરનો વડ
હજી ઊભો હતો —
થોડો વધુ ઝૂકેલો,
વડવાઈઓ થોડી વધુ લાંબી,
જાણે
મારી રાહ જોતાં જોતાં
જમીન સુધી
પહોંચી ગઈ હોય.
નદી
થોડી પાતળી થઈ ગઈ હતી.
ડુંગર
એટલો જ હતો.
કેડી
ઘાસમાં ખોવાઈ ગઈ હતી.
મેં બૂટ કાઢ્યા,
ઉઘાડા પગે
ધૂળમાં ચાલ્યો.
પગને
ધૂળે ઓળખ્યા —
ચોમાસું ન હતું,
તોય
અંદર
કશુંક ભીનું થઈ ગયું.
શહેરમાં
મને ઘણા ઓળખે છે.
અહીં
મને
ધૂળ ઓળખે છે.
– પરાગ રતનપરા