પાછા
એમણે જ
આ હાઇવે બનાવ્યો હતો —
ડામર પાથરી,
પુલ ચણી,
માઇલસ્ટોન ખોડી.
એક દિવસ
કારખાનાં બંધ થયાં,
બસો બંધ, ટ્રેનો બંધ,
ને એમને કહેવાયું:
‘ઘેર જાઓ.’
એ ચાલ્યા —
માથે પોટલાં,
ખભે બાળકો,
પગમાં ફોલ્લા.
જે હાઇવે
એમણે બનાવ્યો હતો,
એ જ હાઇવે પર
એ હજાર માઇલ ચાલ્યા.
માઇલસ્ટોન
ગણતા રહ્યા કે ગામ કેટલું દૂર.
માઇલસ્ટોન પણ
પહેલી વાર શરમાયા —
પોતાનો જ ઘડવૈયો
પોતાને પૂછતો હતો
રસ્તો.
– પરાગ રતનપરા