ઓટલો
ઓટલો સૂનો સૂનો રે, હવે કોઈ બેસનારું નહીં,
દાદાની લાકડી ટેકવી વાતું કહેનારું નહીં.
સાંજ પડે ને ઓટલે ભરાતો ગામ આખાનો ડાયરો,
હુક્કાની ગડગડ ને સાથે ખેતરવાડીનો સાયરો;
છોકરાં રમતાં ઓટલા ફરતાં, હવે કોઈ દોડનારું નહીં…
ઓટલો સૂનો સૂનો રે…
દીકરા ગયા શહેર ને પૌત્રો ગયા ઠેઠ વિલાયત,
ઓટલો બોલે: ‘મારે તો બસ છાંયડો દેવાની આદત’;
ખાલી ખુરશી, ખાલી ઝૂલો, કોઈ હીંચકનારું નહીં…
ઓટલો સૂનો સૂનો રે…
પરાગ કહે: એક ચકલી આવી ઓટલે ચણવા બેઠી,
ઓટલો હરખ્યો: ‘આવ, બેની, તું તો મારી જેઠી’;
એક ચકલી તો આવે છે, એનું કોઈ ગણનારું નહીં…
ઓટલો સૂનો સૂનો રે, હવે કોઈ બેસનારું નહીં.
– પરાગ રતનપરા