ઊઠબેસ
નિશાળમાં
માસ્તરે સજા કરી હતી —
‘સો ઊઠબેસ!’
કાન પકડીને
અમે રડતાં રડતાં કરી.
આજે
મહિને ત્રણ હજાર ભરીને
જિમમાં
ટ્રેનર કહે છે: ‘સો સ્ક્વૉટ્સ!’
ને હું
હસતાં હસતાં કરું છું,
ને ફોટો પાડીને
સ્ટેટસમાં મૂકું છું.
માસ્તર સાહેબ,
તમે તો મફતમાં
અમને તંદુરસ્ત બનાવતા હતા,
ને અમે
આખી જિંદગી
તમને જ
જાલિમ કહેતા રહ્યા.
– પરાગ રતનપરા