ઊર્મિલા
ચૌદ વરસ મેં દીવો રાખ્યો, કોઈએ ગાઈ ન ગાથા,
સીતા સંગે રામ ગયા, પણ ઊર્મિલાની વ્યથા?
લખમણ ચાલ્યા ભાઈની પાછળ, પાછું વળી ન જોયું,
મહેલની ઊંચી અટારીએ મેં આંસુથી મુખ ધોયું;
રામાયણના પાને પાને ક્યાંય ન મારી કથા…
ચૌદ વરસ મેં દીવો રાખ્યો…
સીતાને તો વન મળ્યું, ને સાથે મળ્યો સ્વામી,
મારે ભાગે મહેલ મળ્યો, ને મહેલે મોટી ખામી;
રાજમહેલની ભીંતો વચ્ચે ધબકે એકલી વ્યથા…
ચૌદ વરસ મેં દીવો રાખ્યો…
પરાગ કહે: રામાયણમાં એક પાનું કોરું રહ્યું,
ઊર્મિલાએ મૌન રહીને સૌથી વધુ સહ્યું;
વનવાસી તો સૌ પૂજાયા, ઘરવાસીની ક્યાં કથા?
ચૌદ વરસ મેં દીવો રાખ્યો…
– પરાગ રતનપરા