← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બા હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ સાંજે દીવડો લઈ આંગણે છે બા હજી,
રાહ જોતી, આંખ ખોલી, બારણે છે બા હજી.

ટાઢમાં ધ્રૂજી રહેલા પૌત્રને ઓઢાડવા
રાતભર તાપી રહેલી તાપણે છે બા હજી.

ઊંઘતું બાળક હસે છે ઊંઘમાં, તો જાણજો,
ગીત ગાતી, ઝૂલ દેતી, પારણે છે બા હજી.

રાખથી માંજી ચમકતાં રાખતી પિત્તળ બધાં,
એ જ ચમકારે ઘરે, હર વાસણે છે બા હજી.

આ પરાગે કાગવાસે ખીર દીધી, તોય પણ
લીમડાના એ જ ભીના દાતણે છે બા હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #બા #મા #માતૃપ્રેમ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MissingMother #MothersLove #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊર્મિલાઆગલો લેખ →ગઝલની લત